Monthly Archives: જાન્યુઆરી 2010

પ્રાર્થનાચિઠ્ઠી

(એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે….)

પ્રતિ,

શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)

સ્વર્ગ લોક,નર્કની સામે,

વાદળાની વચ્ચે,

મુ.આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!

પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!

પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?

પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!

પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું  છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.

પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!

જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પસે…અને મારી પાસે પણ…!

લી.

એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

અથવા

ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌.

( રચયિતા – શ્રી સાંઈરામ દવે )

Advertisements
Categories: કટાક્ષ, નાની પણ મોટી વાતો | ટૅગ્સ: | 1 ટીકા

નકલમાં અકલ નો હોય.

વાત છે, ઘોડા અને ગધેડાની
એક સેઠ પાસે એક ઘોડો અને એક ગધેડો હતો.
સેઠે ઘોડાની પીઠ ઉપર પાંચ મણ મીઠાની ગુણ મુઈકી અને ગધેડાની પીઠ પર બે મણ રુ ની ભારી મુઈકી.
હવે ઘોડો અને ગધેડો બેય હાલતા થ્યા.ઘોડાને પાંચ મણ મીઠાની ગુણનો વજન વધારે લાગતો હતો અને ગધેડો બે મણ રુ ની ભારી લઈને ખુશ થાતો થાતો હાઈલો જાતો’તો.
યા વચ્ચે એક નદી આવી.ઘોડાને વિચાર આવ્યો કે જો હુ અડધો કલાક પાણીમાં બેસી રહુ તો બધુય મીઠુ પાણીમાં ઓગળી જાય અને ભાર ઓછો થઈ જાય.
ઘોડો અડધો કલાક પાણીમાં બેઠો.બધુય મીઠુ પાણીમાં ઓગળી ગ્યુ.હવે ઘોડો નવરો થૈ ગ્યો અને ડોકી હલાવતો- હલાવતો હાલતો થૈ ગ્યો.
આ જોઈન ગધેડોય અડધો કલાક પાણીમાં બેઠો..હવે મજાની વાત’તો ઈ સે કે રુ જેમ પાણીમાં પલળે ઈમ વધારે વજન વાળુ થાય.
ઓલો ગધેડો યાન’યા ધબ થૈ ગ્યો હો !
એટલા હાટુ થૈન કેવાય સે કે ” નકલમાં અકલ નો હોય”

આની આગળનો બ્લોગ શુદ્ધ ગુજરાતીમાં લખ્યો’તો .એથી વડીલ શ્રી વિ.કે.વોરા સાહેબ અને બહેન શ્રી નિમિષા શર્માના આગ્રહથી કાઠિયાવાડી ભાષામાં લખ્યુ સે.

Categories: નાની પણ મોટી વાતો | ટૅગ્સ: | Leave a comment

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: